Hebrews 12 in Gujarati

1 આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ.

2 આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.

3 તો જેમણે પોતા પર પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેમનો વિચાર કરો, એમ ન થાય કે તમે પોતાના મનમાં અશક્ત થવાથી થાકી જાઓ.

4 તમે પાપનો સામનો કરો, પણ રક્તપાત સુધી તમે હજી સામનો કર્યો નથી.

5 વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે, તે તમે ભૂલી ગયા, એટલે, 'ઓ, મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા.

6 કેમ કે જેનાં પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.'

7 જે શિક્ષા તમે સહન કરો છો, તે શિક્ષાણને માટે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે, કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી?

8 પણ જે શિક્ષાના ભાગીદાર સઘળાં થયા છે, તે શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ.

9 વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહિ?

10 કેમ કે તેઓએ તો થોડાક દિવસો સુધી પોતાને જે વાજબી લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ તેમણે તો આપણા હિતને માટે શિક્ષા કરી કે આપણે તેમની પવિત્રતાના સહભાગી થઈએ.

11 કોઈ પણ શિક્ષા તે સમયે આનંદકારક નહિ, પણ ખેદકારક લાગે છે; પણ પછી તો તેથી કસાયેલાઓને તે ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.

12 એ માટે ઢીલા પડેલા હાથોને તથા અશક્ત થએલાં ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો;

13 પોતાના પગોને સારુ રસ્તા સુગમ કરો; જેથી જે અપંગ છે, તે ઊતરી ન જાય પણ એથી વિપરીત તે સાજું થાય.

14 સઘળાંની સાથે શાંતિથી વર્તો, પવિત્રતા કે જેનાં વગર કોઈ પ્રભુને નિહાળશે નહિ તેને ધોરણે તમે ચાલો.

15 તમે બહુ સાવધ રહો, કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય, એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જડ ઊગે અને તમને ભ્રષ્ટ કરે, તેનાથી તમારામાંના ઘણાં લોક અપવિત્ર થાય,

16 અને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ કે જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી માર્યું તેના જેવો કોઈ ભ્રષ્ટ થાય.

17 કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઇચ્છતો હતો ત્યારે તે આંસુસહિત પ્રયત્ન કરતો હતો, તોપણ તેનો સ્વીકાર થયો નહિ કેમ કે પસ્તાવાનો પ્રસંગ તેને મળ્યો નહિ.

18 વળી તમે એવાઓની પાસે આવ્યા નથી, એટલે સ્પર્શ કરાય એવા પહાડની, બળતી આગની, અંધારાયેલા આકાશની, અંધકારની તથા તોફાનની

19 તથા રણશિંગડાના અવાજની તથા એવા શબ્દોની ધ્વનિની કે જેનાં સાંભળનારાઓએ વિનંતી કરી કે એવા બોલ અમને ફરીથી સાંભળવામાં આવે નહિ.

20 કેમ કે જે આજ્ઞા થઈ, તે તેઓથી સહન થઈ શકી નહિ, જો કોઈ જાનવર પણ પહાડને સ્પર્શ કરે, તો તે પથ્થરથી માર્યું જાય.

21 તે વખતનો દેખાય એવો બિહામણો હતો કે મૂસાએ કહ્યું કે, 'હું બહુ બીહું છું અને ધ્રૂજું છું;'

22 પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા ઈશ્વરના નગર એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે અને હજારોહજાર સ્વર્ગદૂતોની પાસે,

23 પ્રથમ જન્મેલાં જેઓનાં નામ સ્વર્ગમાં લખી લેવામાં આવેલાં છે તેઓની સાર્વત્રિક સભા તથા વિશ્વાસી સમુદાયની પાસે અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે અને સંપૂર્ણ થએલાં ન્યાયીઓના આત્માઓની પાસે,

24 નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે ત્યાં તેની પાસે આવ્યા છો.

25 જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો; કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ નકાર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો સ્વર્ગમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ચોક્કસ બચીશું નહિ.

26 તેમની વાણીએ તે સમયે પૃથ્વીને કંપાવી, પણ તેમણે એવું આશાવચન આપ્યું છે કે, હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહિ, આકાશને પણ હલાવીશ.

27 'ફરી એક વારનો' અર્થ એ છે કે, કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની માફક નાશ પામે છે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તે હંમેશા ટકી રહે.

28 માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ.

29 કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.