Hebrews 1 in Gujarati

1 પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી.

2 તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે.

3 તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.

4 તેમને સ્વર્ગદૂતો કરતાં જેટલાં પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલાં પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે.

5 કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, 'તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?' અને વળી, 'હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?'

6 વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, 'ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.'

7 વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે, 'તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે.'

8 પણ પુત્ર વિષે તે કહે છે, 'ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે.

9 તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.

10 વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે.

11 તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે;

12 તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો; અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે; પણ તમે એવા અને એવા જ છો, તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.'

13 પણ ઈશ્વરે કયા સ્વર્ગદૂતને કદી એમ કહ્યું કે, 'હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહિ, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?'

14 શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉદ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી?